Saturday, 21 July 2018

કામ ને ગમતું કરીએ કે ગમતું કામ કરીએ?

જોબ સેટિસ્ફેક્શન શબ્દ તો સાંભળ્યો જ હશે !! કોર્પોરેટ જગત માં જોબ કરતા કરતા હું મૉટે ભાગે સાંભળતો રહુ છું કે નોકરી છે, પગાર છે પણ જોબ  સેટિસ્ફેક્શન  નથી. કામ કરવામાં  મજા નથી આવતી. મારે તો આ ફિલ્ડ માં  આવવું જ નહોતું પણ 12 માં ધોરણ માં બધા એ આગ્રહ કરેલો એટલે સાયન્સ રાખી લીધું અને એંજીનીઅર બની ગયો. મારો રસ તો સાહિત્ય માં હતો , બિઝનેસ માં હતો વગેરે વગેરે . આજે એમને પૂછવામાં આવે કે તો પછી હવે તમે આ કામ છોડીને રસનું કામ કેમ  કરતા નથી તો મજા  પડી જાય તેટલા અલગ અલગ જવાબ સાંભળવા મળશે .  હવે આ કામ માં સેટ થઇ ગયો છું, એ ફિલ્ડ માં રસ છે પણ એમાં આ ફિલ્ડ જેટલા પૈસા નથી મળતા , રસ ધરાવવાથી પેટ થોડું ભરાય છે, નવો ધંધો ચાલુ કરવામાં રિસ્ક છે અને અહીં બાંધેલો પગાર છે,લાઈફ સેટ છે  જેવા તો અનેક બહાનાઓ ફૂટી નીકળશે જ.

કોઈ પણ ફિલ્ડ હોય, નોકરી હોય કે બિઝનેસ હોય, મૉટે ભાગે આપણને આપણા કામ થી અસંતોષ રહે છે. એક જન્મજાત સ્વભાવ છે કે હંમેશા આપણને બીજાનું કામ આકર્ષે છે. મિત્રને તો વિકેન્ડ ઓફ  છે , મારે તો બધા શનિવાર જવું પડે છે. ત્યારે આપણે એ નથી વિચારતા કે મિત્રને વર્ષ માં 9 જ પબ્લિક હોલીડે છે જયારે મને 30 મળે છે.મિત્ર ને સરકારી નોકરી છે , સવારના 9 થી સાંજના 5 સુધીમાં એનું કામ ખતમ. કોઈ ટેન્શન નહિ. મારે કોર્પોરેટ માં ઘરે થી રાતે પણ લેપટોપ પર સપોર્ટ આપવો પડે છે. ત્યારે આપણે એ નજરઅંદાઝ કરી દઈએ છીએ કે એ જ મિત્ર ને કુદરતી આપત્તિ કે ચૂંટણી વખતે 48 થી 72 કલાક ખડેપગે રેહવું પડે છે. ટૂંકમાં , આપણે સરખામણી કરતી વખતે બીજાના ફક્ત સારા અને આપણા નબળા પાસાની જ સરખામણી કરીયે છીએ અને જાતે જ હતાશ થઈએ છીએ.

જો  આપણે આ હતાશા ને ભગાવવી હશે તો પ્રથમ તો આપણે આ સરખામણી  કરવાનું છોડી દેવું પડશે. આપણે ખુદ ને સવાલ પૂછવો પડશે કે હું  જે કામ કરું છું એમાં થી મને આનંદ કેમ નથી મળતો ? એના માટે ના કારણો ક્યાં ક્યાં છે ? એ કારણો દૂર કરવા પર હું પોતે પગલાં લઇ શકું એમ છું કે નહિ ? ક્યારેક આપણું ફિલ્ડ નહિ પણ વર્કપ્લેસ પરનું  એન્વાયરમેન્ટ આ  અનસેટીસ્ફેક્સન નું કારણ હોઈ શકે છે. આપણે ભાગ્યે જ  એબ્સોલ્યુટ લેવલ પર વિચારતા હોઈએ છીએ કે આપણે પોતે કરતા કામ ની પદ્ધતિ કે માઈન્ડસેટ માં નાનકડો ટ્વિસ્ટ લાવવાથી જ આ હતાશા માં મોટો ફેરફાર થઇ શકે છે ! કોઈ સંજોગોમાં ફિલ્ડ નહિ પણ ફક્ત વર્કપ્લેસ બદલવાથી જ આ અચિવ થઇ જતું હોય છે.

ક્યારેક એવું પણ બને કે આપણે આપણી પસંદગી/રુચિ  થી તદ્દન અલગ ફિલ્ડ માં કામ કરી રહ્યા હોઈએ અને આપણે ફિલ્ડ  બદલવા માટે તદ્દન  અનિર્ણાયક  હોઈએ. ગમતા ફિલ્ડ માં રહેલી તકો થી અજાણ હોઈએ કે પછી એમાં રહેલું રિસ્ક કેલ્ક્યુલેટ કરવા માટે અનિર્ણાયક હોઈએ.ક્યારેક સંજોગોવસાત જોબ લઇ લીધી હોય પણ મનમાં ઉચ્ચ અભ્યાસ ની તીવ્ર ઈચ્છા હોય. ક્યારેક પોતાના ખુદ ના બિઝનેસ માટે પેશન  હોય પણ સેટ થયેલી જોબ છોડવાનું રિસ્ક લેવા માટે અનિર્ણાયક્તા હોય. 

આ તમામ  સંજોગો માં મક્કમ બની ને નક્કર નિર્ણય ત્વરિત લેવો ખુબ જ જરુરી છે .શક્ય હોય તો  ગમતા ફિલ્ડ માં કામ કરવાની શરૂઆત હંગામી ધોરણે ચાલુ પ્રોફેશન ની સાથે ફાજલ સમયમાં આનંદપૂર્વક કરી શકાય (વગર પગારે પણ !)  અને વખત/તક જોઈને એમાં સીધો કૂદકો મારી શકાય.ઉચ્ચ  અભ્યાસ માટે જોબ છોડવાનો સાહસિક નિર્ણય લેવો પડે અને જો બિઝનેસ નું ઘેલું હોય તો એમાં રહેલી તકો , આયોજન , રોકાણ વગેરે નું પ્લાન કરીને નોકરી ને તિલાંજલિ આપવાનો કઠોર નિર્ણય લીધે જ છૂટકો ! બિઝનેસ માટે એમાં ખંત થી ખુંપી  જવું પડે. ચાલુ નોકરી સાથે બિઝનેસનું સેટઅપ દૂધ અને દહીં બંને માં પગ રાખવા જેટલું જ આત્મઘાતી નીવડે છે.

તો ચાલો , ડૂબકી મારીએ વિચારો ની દુનિયા માં ને યાહોમ કરીને મંડી પડીએ  કામને ગમતું બનાવવામાં કે પછી ગમતું કામ અપનાવવામાં !!!!!

ફ્રી હિટ :

બકો : યાર, મને તો લાગે છે કે હું મારા કામ માં એકદમ ફિટ છું  અને મને મારુ કામ ખુબ ગમે છે પણ લોકો કહે છે કે તું આ કામ માટે બન્યો જ નથી
ચકો : તું ગરીબો નો રાહુલ ગાંધી લાગે છે.






Sunday, 15 July 2018

હિંદુ પાકિસ્તાન ?? એક આમ નાગરિક નો શશી થરૂર સાહેબ ને જવાબ

માનનીય થરૂર સાહેબ,

આદાબ !!!!  (Feeling Secular,ah? Great!!!)

જો ફલાણી વ્યક્તિ સત્તા માં આવશે તો ભારત માં આભ તૂટી પડશે, ભારત ની અખંડ સંસ્કૃતિ ખતરામાં આવી જશે, એમની પાસે થી હિન્દુત્વ છીનવી લો !!! - આવા નિવેદનો જયારે તમારા જેવા ઇન્ટલેક્ચ્યુલ ના મોં એ થી સાંભળીયે ત્યારે અમારા જેવા લોકો માં ભારત ની સૌથી જૂની રાજકીય પાર્ટી પાસે રહીસહી ૧% ની આશા પણ ચકનાચૂર થઇ જાય છે!!!

લઘુમતીઓ માટેનો, (સોરી, લેટ મી કરેક્ટ માયસેલ્ફ - લઘુમતી વોટબેંક માટેનો) આપની પાર્ટી નો પ્રેમ અમારા થી અણછાજતો નથી જ. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જાહેર મંચ પર થી કહી ચુક્યા છે કે દેશની સંપતિ પરનો પહેલો હક મુસલમાનોનો છે એટલે અમને તમારા આ વિધાન થી હાર્ટ એટેક તો આવ્યો નથી જ. પરંતુ હમણાં જ પૂરી થયેલી ગુજરાત ચૂંટણીમાં તમારા યુવરાજ મંદિર મંદિર રમતા હતા એટલે અમને એમ કે થોડોક સુધારો છે પણ કૂતરાની પૂછડી સીધી થોડી થાય એવું ૨ મિનીટ માટે ભૂલાય ગયું હતું!!

બેશક તમારું આ નિવેદન એ ૨૦૧૯ ની તમારી તૈયારીઓ ની શરૂઆત છે પણ તમારું આ નિવેદન કેટલું વાજબી છે ? છેલ્લા ચાર વરસ માં તમે અનેક ઘટનાઓને રાજકીય રંગ આપી જ દીધો અને પરિણામ તમારી સામે છે જ. બળાત્કાર અને હત્યા માં જ્યાં લઘુમતી વિકટીમ હતા ત્યાં તમે થાય એટલી મેહનત થી હેશટેગ ટ્રેન્ડ કરાવ્યા છે. મંદસૌર અને કઠુઆ - આ બંને જગ્યાએ જઘન્ય અપરાધ થયો હોવા છતાં તમારું બંને ઘટના માટેનું સ્ટેન્ડ અમને દેખીતું છે જ,  એ ઘટનાઓ ને રાજ્ય સરકારો ની કાયદો અને વ્યવસ્થા ની નિષ્ફળતા ગણાવીને જવાબદાર વિપક્ષ તરીકે આંદોલન કર્યા હોત તો પ્રચંડ જનસમર્થન મળત જ, પરંતુ એને પણ હિંદુ મુસ્લિમના વાઘા પેહરાવી દેવાનું તમારો પક્ષ ચુક્યો નહોતો!!

શું ચાર વરસમાં હિંદુ એટલો વધારે કટ્ટર થઇ ગયો છે? ચાર વરસ માં આ દેશ માં એટલી કોમી ઘટનાઓ બની ગયી કે આ મહાન દેશ ની સરખામણી એક કટ્ટર આતંકવાદી દેશ સાથે કરવી પડે? ઇન ફેક્ટ, તમે ચગાવેલી ૪-૫ ઘટના સિવાય એવું બન્યું નથી. ઉલટાનું, જ્યાં હિંદુ વિકટીમ હશે એવી ઘણી ઘટનાઓ બની હશે જેને તમે સરળતા થી નજરઅન્દાઝ કરી દીધી હશે, કાયમ ની જેમ !!!  

 શાહબાનો વખતથી આ રીતે ચુંટણી જીતવાનું તમારો પક્ષ કરતો આવ્યો છે, પરંતુ હવે સમય ,પવન અને જાગરૂકતા આ બધું જ બદલાયું હોય એવું નથી લાગતું તમને ? ૪૪ પર છેલ્લી ચૂંટણી માં અટકી ગયેલો ભારત નો સૌથી જુનો રાજકીય પક્ષ છેલ્લા ૪ વર્ષ માં પંજાબ ને બાદ કરતા બધે જ પછડાટ ખાઈ ચુક્યો છે. શું આ નિવેદન તમને ફીનીક્શ ની જેમ  બેઠા થવામાં મદદ કરશે એવું તમે માનો છો ?

સરકાર ની અનેક નાકામીયાબીઓ છે. અનેક મોરચે તમે લોકો નો અવાજ બની શકો છો.  પરંતુ તમને રસ ફક્ત હિંદુ પાકિસ્તાન માં જ છે.  હવે યુગ બદલાયો છે. મતદાર વર્ગ દિવસે દિવસે શાણો થતો જાય છે અને વારે તહેવારે પરચા બતાવતો રહે છે.

ફ્રી હિટ: 
શશી થરૂર : હિંદુ કટ્ટર થઇ ગયો છે .....પેહલા આવો નહોતો
બકો: સાચી વાત છે. પેહલા હમેશા સ્ત્રી નું સન્માન જાળવતો, હવે પત્ની ની હત્યા ના આરોપ લાગવા માંડ્યા છે!!