Sunday, 13 March 2016

કરદાતા ના દિલ માં થી જીવંત

હું નાનો હતો અને જ્યારથી મને ટેક્ષ વિશે સમજણ પડવા લાગી ત્યાર થી હું દ્રઢપણે એવું માનતો કે આ દેશના વિકાસ ની ધીમી ગતિ નું કારણ આપણા નાગરિકોની ટેક્ષ ભરવાની અપ્રમાણિકતા છે. કાયદા ના કેટલાય છીંડાઓ વાપરીને લોકો કાયદેસર ટેક્ષ ભરવાનું  ટાળે છે. આમાં ભલભલા ઉદ્યોગપતિ થી લઈને સરકાર નો સામાન્ય કર્મચારી પણ બાકાત નહી હોય . નાનો હતો  ત્યારે હું એમ કહેતો કે મોટો થઇને હું એકદમ પ્રમાણિક ટેક્ષપેયર બનીશ અને એની જરૂરિયાતની જાગૃતિ લોકો માં આવે એ માટે પૂરતા પ્રયાસ કરીશ. આ દેશે આપણને ઘણું બધું આપ્યું છે અને આવક પ્રમાણે કાયદેસર ટેક્ષ ભરવો એ જ ખરી દેશભક્તિ છે એવું મારું કુમળું હૃદય વિચારતું.

પણ જે રીતે કેટલાક કેહવાતા બુદ્ધિજીવીઓ ના મતે છેલ્લા દોઢ વર્ષમાં આ દેશ "અસહિષ્ણુ" થઇ રહ્યો છે એમ છેલ્લા કેટલાક સમય થી જયારે મારે ટેક્ષ ભરવાનો વખત આવ્યો ત્યારે જ  મારા વિચારો માં પણ પરિવર્તન આવ્યું .(કરચોરી નો વિચાર નથી આવ્યો પણ ટેક્ષ ભરવાનો ગર્વ થવો જોઈએ એવો મારો વિચાર ભાંગી ને ભુક્કો થઇ ગયો). 

નાણાકીય વર્ષનો અંત નજીક છે, નવા નાણાકીય વર્ષનું બજેટ આવી ચૂક્યું છે,  એના પરની "કીમતી" ચર્ચાને બદલે શોરબકોર કરીને સંસદમાં સમય બગાડીને કરદાતાના પરસેવાની કમાણી વેડફાઈ રહી છે  ત્યારે એક આછેરી સંક્ષિપ્ત નજર કરીએ કરદાતા નો રૂપિયો ક્યાં જાય છે અને કેવી રીતે એનો (દૂર)ઉપયોગ થાય છે.

બંધારણની નજરે જોઈએ તો કરદાતાનું "યોગદાન" દેશના નાગરિકોને પાયાની સુવિધા પૂરી પાડવામાં વપરાય છે. માળખાકીય સુવિધાઓ, રસ્તાઓ, વાહનવ્યવહાર,રેલ્વે, અન્તરિક્ષ અને સંશોધન, શિક્ષણ, સુરક્ષા , જાહેર આરોગ્ય અને આ ઉપરાંતની ઘણી બધી જાહેર સેવાઓ આ કર થકી જ તો ચાલે છે. આ ઉપરાંત લોકશાહીના મૂલ્યો ના પાયામાં રહેલી ચુંટણીઓ, ચૂંટાયેલા સભ્યોને મળતી સુવિધાઓ (સેવા કરવાને જ તો !), સંસદ અને બધા રાજ્યોની વિધાનસભાઓની કાર્યવાહીઓ અને બીજું ઘણું બધું  આ દેશના કરદાતા ના ખિસ્સામાં થી જ તો જાય છે.

ખેર(અનુપમ નહી), આ તો થઇ પાયાની વાત. પણ આ સિવાય પણ ઘણું બધું કરદાતાના ગજવે પસાર થઇને નીકળે છે. આઝાદી પછી આ દેશમાં ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ ઓછી કરવા માટે કેટલીક બેઝીક જીવન જરૂરિયાત ની વસ્તુઓ પર સબસીડી આપવામાં આવેલી. સરવાળે આ સબસીડી પણ ટેક્ષપેયર ના ટેક્ષ માં થી જ આવે છે. સારા હેતુ માટેની આ સબસીડી માટે કોઈને પણ વિરોધ ના હોઈ સકે, પણ આ સબસીડી પર ઘણી વખત રાજકારણ પણ રમાયું અને ચુંટણી જીતવા માટે આ દેશ ના અર્થતંત્રના ભોગે પણ સબસીડીઓ જાહેર કરી. કાળાબજારી અને ભ્રષ્ટાચાર થયા એ તો અલગ જ.  રાંધણગેસ અને કેરોસીન પર ગરીબીરેખા ની નીચે જીવતા લોકો માટે મળતી સબસીડી નો ખુલ્લો ગેરલાભ ઉઠાવીને હજારો કરોડો રૂપિયા ની કાળાબજારી થઇ. તો દિલ્હીમાં કેજરીવાલ સરકારે અર્થતંત્રને નેવે મુકીને ગરીબ અમીરનો ભેદ કર્યા વગર વીજળી પર સબસીડી આપી દીધી.  મક્કા મદીના ની હજયાત્રા માટે પણ આ "અસહિષ્ણુ" દેશની  "અંતિમવાદી" સરકાર દર વરસે કરોડો રૂપિયાની સબસીડી આપે છે(અમરનાથ યાત્રા માટેની સબસીડી બંધ થવાના સમાચાર વાંચેલા, પાકા પાયાની માહિતી ન હોવાથી એનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે) અને હા,આઝાદીના ૬૭ વર્ષ બાદ પણ પૂર્વાંચલના ઘણા રાજ્યોના અંતરિયાળ ગામમાં શિક્ષણ કે વીજળી હજુ પહોંચ્યા નથી. 

આટલું તો સમજ્યા,સુકા સાથે લીલું બળે જ, પણ કરદાતાને ગુસ્સો ત્યારે આવે છે જ્યારે એના ટેક્ષમાંથી જતી સબસીડી પર થી ચાલતી દેશની વિખ્યાત યુનિવર્સીટીમાં આતંકવાદીને શ્રદ્ધાંજલિ અપાય છે, દેશવિરોધી નારા લગાવાય છે, ભણવાના નામે રાજકારણીઓ ના હાથા બની બેઠેલા વિદ્યાર્થીઓ ૭-૮ વર્ષ સુધી કરદાતાના પૈસે ત્યાં પડ્યા પાથર્યા રહે છે અને હા, એમણે વિરોધપક્ષ અને કેટલાક દંભી મીડિયા હીરો પણ બનાવી દે છે.આપણા, એક કરદાતાના પ્રમાણિકપણે ભરેલા ટેક્ષમાંથી જેમનો પગાર થાય છે એવા આ યુનિવર્સીટીના પ્રોફેસર જ્યારે એવું  ભણાવે કે કશ્મીર તો ભારતે ગેરકાયદેસર રીતે પડાવેલું છે ત્યારે એક કરદાતા વિચારે છે કે શું આ માટે હું પ્રમાણિકપણે ટેક્ષ ભરું છુ?

બાળકો એ દેશ નું ભવિષ્ય છે અને શિક્ષણ માટે અપાતી શિષ્યવૃતિઓ અને અમુક ટોચની સંસ્થાઓને અપાતી સબસીડી બેશક એક સારી બાબત જ છે. પણ બદલાતા સમય સાથે એની સમીક્ષા કરવાની પણ જરૂર છે જ. જ્ઞાતિ આધારિત અનામત ની સાથે જ જ્ઞાતિ આધારિત શિષ્યવૃત્તિના પરિણામે કેટલાય ગરીબ બાળકો શિષ્યવૃત્તિ થી વંચિત રહે છે અને કેટલાય ફક્ત કોઈ જ્ઞાતિમાં જન્મ્યા હોવાની "વિશિષ્ટ" લાયકાતના લીધે શિષ્યવૃત્તિ "ઉડાવતા" પણ જોવા મળે.

ટોચની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, જેવી કે એઈમ્સ,આઇઆઇટી,આઇઆઇએમ વગરે માં કરોડો રૂપિયાની સબસીડી જાય છે. સ્વાભાવિક રીતે જ એમનું શિક્ષણનું સ્તર પણ ઊંચું છે જ. પણ એ માંથી બહાર નીકળતા હજારો પ્રતિભાશાળી નવયુવાનો કોઈ ના કોઈ કારણ થી વિદેશ જવાનું વધુ પસંદ કરે છે. કરદાતા એટલું તો ઇચ્છી જ સકે કે સરકાર એમની પ્રતિભા ને આ દેશના વિકાસ માટે વાપરે?  અમુક વર્ષ માટે એમની સેવાઓ ને ફરજીયાત ના બનાવવી જોઈએ જેથી કરીને સરકારે એમનામાં કરેલું કરદાતાના રૂપિયાનું રોકાણ સાર્થક થાય?

આ ઉપરાંત હમણાં જેની બહુ ચર્ચા છે એવા વિજય માલ્યા કે જેઓ બેંક કર્મચારીઓ સાથેની મીલીભગત થી હજારો કરોડની લોન લઈને રફુચક્કર થઇ ગયા છે એ લોન પણ કરદાતાના પૈસાથી જ આવી છે. છેલ્લા દસ વર્ષ માં સાંભળેલા કોલગેટ કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ, ૨-જી (અને જીજાજી પણ )  વગેરે માં દેશ ને લાગેલો લાખો કરોડો નો ચૂનો પણ આખરે તો સીધી અસર આ દેશ ના નાગરિકો ને એટલે કે કરદાતાને જ કરે છે.
            (મહારાષ્ટ્ર માં પાછલી સરકાર દ્વારા વેડફાયેલા કરદાતાઓ ના ૧૦૦ કરોડ)      

જો કે દર વખતે કરદાતા નિરાશ જ થાય એવું નથી, હજારો એ એક એવી ખુશ કરતી ઘટના પણ બનતી રહે છે. રાંધણગેસની સબસીડી પરની કાળાબજારી રોકવા સીધું બેંક અકાઉન્ટ સાથે ગેસ કનેકસન નું જોડાણ એક સરાહનીય પગલું છે. સક્ષમ લોકોને સબસીડી છોડવા વડાપ્રધાન દ્વારા કરાયેલી અપીલ અને એને મળેલો જોરદાર પ્રતિસાદ પણ એટલો જ પ્રશંસાને પાત્ર છે.
(રક્ષામંત્રી મનોહર પરિકર દ્વારા કરાયેલુ નોંધપાત્ર કામ કરદાતા ને નિરાશાના રણમાં આશારૂપી મૃગજળ સમાન છે)    (ઈમેજ કર્ટસી : Troll Politics Fb Page)

જ્યારે આપણે કોઈ દાન કરીએ ત્યારે પણ આપણે એક વસ્તુ પાક્કી કરતા હોઈએ છીએ કે એ દાન જરૂરિયાતમંદ સુધી પહોંચ્યું કે કેમ. આજે જ્યારે ટેક્ષ ભરવાનો થાય છે ત્યારે ટેક્ષપેયરના મનમાં વિચાર આવવો  સ્વાભાવિક છે કે આ તો મે "મારા" દેશ ને આપ્યું છે, મારા દેશ ની સરકાર ને આપ્યું છે, મારા દેશ ના લોકો ના વિકાસ માટે આપ્યું છે. તો શું સરકાર એ કરદાતા ને એના કરનો "સાર્થક" ઉપયોગ થયો છે એનો ભરોસો આપવા બંધાયેલી નથી ? આ દેશ માં લોકશાહી ને જીવંત રાખવા, એના પાયાને ટકાવી રાખવા અને એને મજબુત બનાવવા સરકારે આ ભરોસો આપવો જ રહ્યો અને કરદાતા ના "મૂલ્યવાન" યોગદાન ને ઘણી રીતે વેડફાતું અટકાવવું જ રહ્યું.


સુપર સિકસ:

કોઈ વિદેશી મેહમાને આ દેશ માં ચાલતી લોલમલોલ જોઈ ને કહેલું - આ દેશ તો રામભરોસે ચાલે છે,
પણ હકીકત માં તો આ દેશ "ટેક્ષ "ના ભરોસે ચાલે છે.



  

Sunday, 6 March 2016

Parliament Discussion Topics- corruption,economy, Intolerance, extrimism , anti nationalism - મારી નજરે (ભાગ-૨)

બિહાર ની ચુંટણીઓની જાહેરાત થઇ ત્યારે ૨ ઘટનાઓ એવી બની કે આ સેક્યુલર લોકો ને હડકવા ઉપડ્યો

"હિન્દુઓની આસ્થા સમી મૂર્તિપૂજા તદન ખોટી છે અને હું એક એવા લેખક ની વાત કરું કે જેમણે નાનપણમાં આ મૂર્તિઓ પર મુત્રવિસર્જન કરેલું" - આવા વાહિયાત નિવેદન થી વિવાદો માં આવેલા લેખક એમ.એમ.કલબુર્ગી ની કોઈ ૨ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી . એમને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય આપતા આ દેશ માં પોતાની વાત કરવાનો અધિકાર છે જ, પણ એ જ રીતે કેટલાક હિંદુ સંગઠનો એ એમની વિરુદ્ધ માં રેલીઓ કાઢી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.(યસ, એમને પણ અધિકાર છે જ એનો). હજુ એમની હત્યા ના ગુનેગારો પકડાય એ પહેલા જ મીડિયાએ ચુકાદો આપી દીધો કે આમાં બીજેપી ની જ કોઈ ભગીની સંસ્થાઓ નો હાથ છે અને ભારત દેશ અચાનક જ "INTOLERANT" બની ગયો છે. આ લેખકની જે રાજ્ય માં હત્યા થઇ તે રાજ્ય માં કોંગ્રેસની સરકાર છે અને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય સરકાર ની છે (આ લેખકે સુરક્ષા માંગેલી જ અને હત્યા ના થોડા દિવસ પેહલા જ એમની સુરક્ષા હટાવાયેલી. ક્વેશ્ચન ટુ સ્ટેટ ગવર્મેન્ટ - વ્હાય?). તો પણ કેહવાતા બુદ્ધિજીવીઓએ કેન્દ્ર સરકાર પર આરોપ મુક્યા અને સમાચાર ભૂખ્યા મીડિયા એ આને પ્રાઈમ ટાઈમ ખબર બનાવી દીધી.

બીજી ઘટનામાં ગૌમાંસ નું વેચાણ કરતા હોવાની અફવા વચ્ચે દાદરીમાં મુસ્લિમ યુવકની ટોળાએ હત્યા કરી નાખી.  આ દાદરી ઉત્તર પ્રદેશ માં આવે છે અને ત્યાં ની કાયદો અને વ્યવસ્થા ની જવાબદારી  અખિલેશ યાદવ ની "સેક્યુલર" સરકાર ની છે. ટેકનીકલી, આ રાજ્ય સરકાર ની નિષ્ફળતા કેહવાય પણ કોઈ ગોટાળો કે ભ્રષ્ટાચાર વગર ધીમી પણ મક્કમ ગતિ એ ચાલતી કેન્દ્ર સરકાર વિરુદ્ધ સમાચારમાં રહેવા માટે (સત્તા વગર અધીરા થઇ ગયેલા) વિપક્ષને મુદ્દો તો જોઈતો જ હતો. (હા, મોંઘવારી મામલે સરકાર એ કઈ ઉકાળ્યું નહોતું, કાળા ધન મામલે પણ. બટ જો એ મુદ્દા પર બોલવા જાય તો છેલ્લા ૧૦ વરસ સાથે સીધી સરખામણી થવાની બીકે એમણે સરકાર ની એ નિષ્ફળતાને નજરઅંદાઝ કરી. )

બંને ઘટના નિંદનીય છે અને કોઈ ની હત્યા કરવાનો આ દેશ માં કોઈ ને અધિકાર નથી.કેટલાક બીજેપી ના અક્કલ નો એક આંટો ઓછો છે એવા લોકો એ(સાક્ષી મહારાજ જેવા ) આ ઘટના પર બોલવામાં બાફ્યું અને કેહવાતા બુદ્ધિજીવીઓ, કેજરીવાલો , રાહુલ ગાંધીઓ અને ડાબેરીઓ ની આખી જમાતને દોડવું હતું અને ઘાટ તો શું આખો હાઇવે મળી ગયો.

સંસદ ના ૨ સત્ર આ મામલે ખોરવાયા. કેહવાતા બુદ્ધિજીવીઓ કે જેમને મોદી ના વડાપ્રધાન બનવાથી ગરાસ લુંટાઈ ગયો હોવાનું પ્રતિત થતું હતું એમણે "એવોર્ડ વાપસી" અભિયાન શરૂ કર્યું. (હરામ બરાબર કોઈ એ એવોર્ડ ની રકમ પરત આપી હોય તો, ફક્ત મેડલ અને સર્ટીફીકેટ પરત કર્યા). રાહુલ , કેજરીવાલ અને આખી ડાબેરી જમાતે દાદરી ની મુલાકાત લઈને મગરના આંસુ સાર્યા.  દરેક ફિલ્મ ની રીલીઝ વખતે ચર્ચા માં રેહવા મથતા આમીર ખાન જેવા તકવાદીઓ એપણ વહેતી ગંગામાં હાથ ધોઈ લીધા. બિહારની ચૂંટણીમાં બીજેપી એ રણનીતિ બનાવવામાં પછડાટ ખાધી. પોતે કરેલા લોકોપયોગી કાર્યો અને ભવિષ્ય ના ૫ વર્ષ ની બ્લુ પ્રિન્ટ આપવાને બદલે ગૌમાંસ,રાષ્ટ્રવાદ અને અનામત જેવા મુદ્દાઓ પર ઝંપલાવ્યું અને અધૂરામાં પૂરું હોય એમ શત્રુઘ્ન સિંહા જેવા લોકો એ "ખામોશ " રેહવાને બદલે ઘર ના ઘાતકી જેવું વલણ અપનાવ્યું. બિહાર માં બીજેપી ને લોકો એ જાકારો આપ્યો અને ભારતભર માં રહેલી "અસહીષ્ણુતા" પલભર માં ઉડીને ગાયબ થઇ ગઈ.

અસહિષ્ણુતા ભુલાઈ ચુકી હતી, એવોર્ડ વાપસી ના નાટકો બંધ થઇ ચુક્યા હતા એવામાં જ હૈદરાબાદ યુનિવર્સીટીના એક દલિત વિદ્યાર્થીને સુપ્રીમ કોર્ટે જેને ફાંસી ની સજા સંભળાવેલી તેવા યાકુબ મેમણ ને ટેકો આપવાના મુદ્દે થયેલી માથાકૂટ પછી યુનિવર્સીટીમાં ફરિયાદ થતા યુનિવર્સીટી એ સસ્પેન્ડ કર્યો. વિદ્યાર્થીએ લડવાના બદલે કાયરતાપૂર્ણ આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો અને વિદ્યાર્થી દલિત હોવાથી કોઈ શહેર ના મેયર થી જરાક જ વધારે સત્તા ધરાવતા દિલ્હી ના મુખ્યમંત્રી કેજરીવાલ , રાહુલ બાબા વગેરે મંડળી હૈદરાબાદ પહોંચી ગઈ અને વધુ એક વાર મગર ના આંસુ સારવાનો રાષ્ટ્રીય કક્ષા નો પ્રોગ્રામ યોજાયો.આ રાષ્ટ્રીય પ્રોગ્રામ માં અનેક સેક્યુલર જમાતના લોકો જોડાયા. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને આ લોકો એ કસુરવાર ઠેરવી દીધા (જેનો જડબાતોડ જવાબ લોકસભા માં સ્મૃતિ એ આપેલો જે સાંભળવાની હિંમત પણ આ લોકો દાખવી સકેલા નહી) .

આ દરમિયાન વર્ષોથી ડાબેરીઓ(જેમણે ૧૯૬૨ના યુદ્ધમાં ખુલ્લેઆમ ચીન નો સપોર્ટ કરેલો) નો અડ્ડો બની ચૂકેલી જવાહરલાલ નેહરુ યુનિવર્સીટી માં સંસદ પરના હુમલા માટે ફાંસી એ ચડાવેલા આતંકવાદી અફઝલ ગુરુ ની વરસીએ એને ટેકો આપતો કાર્યક્રમ યોજાયો. દેશવિરોધી સુત્રોચ્ચાર થયા. "અફઝલ હમ શરમિંદા હૈ, તેરે કાતિલ ઝીંદા હૈ" , "ભારત તેરે ટુડે હોંગે, ઇન્શાનઅલ્લાહ ,ઇન્શાનઅલ્લાહ", "અબ હર ઘર મે અફઝલ હોગા" વગેરે સુત્રોચ્ચાર પછી પોલીસ હરકત માં આવી અને જેમણે કાર્યક્રમ ની મંજૂરી લીધેલી તે સ્ટુડન્ટ યુનિયન  ના પ્રમુખ કન્હૈયા ને સળિયા પાછળ ધકેલી દીધો.

બસ ત્યાં તો અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય વાળી બ્રિગેડ નો બંધારણ પ્રેમ જાગી ઉઠ્યો. દેશ માં લોકોના અવાજ નું ગળું ઘોંટી નાખ્યું છે સરકારે અને કન્હૈયા ની વકીલાત માં મોદીવિરોધિઓ તૂટી પડ્યા. આ વખતે ભારતીય રાજનીતિના ઇતિહાસ નું સહુથી કલંકિત રાજકારણ રમાયું અને વિરોધપક્ષો આ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ ના ટેકા માં ઉમટી પડ્યા. સંસદ નું બજેટ સત્ર આ મુદ્દે ચાલશે એ ત્યારે જ નક્કી થઇ ચૂક્યું હતું.

આ સરકાર ની સૌથી મોટી મુશ્કેલીઓ એના વિરોધીઓ કરતા એના મંદબુદ્ધિ (યસ, મંદબુદ્ધિ જ) સપોર્ટરો છે. મોદી સરકાર અને એમની ટીમ ૧૦૧% વિરોધીઓ ને પહોંચી વળવા સક્ષમ છે જ પણ ત્યારે જ આ સપોર્ટરો કંઇક ઉંબાડિયું કરી બેસે છે. જયારે કન્હૈયાને કોર્ટ માં રજુ કરવા માટે લઇ જવાતો હતો ત્યારે જ કેટલાક વકીલોએ મોદી ને વ્હાલા થવાની લ્હાયમાં કાયદો હાથ માં લઇ ને કોર્ટ કેમ્પસ માં જ ટપલીદાવ કરી નાખ્યો અને સમગ્ર ચર્ચા યુનિવર્સીટી ની રાષ્ટ્ર વિરોધી ઘટનાઓ માં થી આ મુદ્દે ડાયવર્ટ થઇ ગઈ. (જેએનયુ  અને શિક્ષણના અરાષ્ટ્રીકરણ પર વિસ્તૃત ચર્ચા ફરી ક્યારેક)

આ છેલ્લા છ મહિના માં મીડિયા અને આ કેહવાતા સેક્યુલર લોકો એ એક ઘટનાની બહુ જ સિફતપૂર્વક અવગણના કરી. એ છે પશ્ચિમ બંગાળ માં માલદા માં થયેલી કોમી હિંસા.ઇસ્લામ અને મોહંમદ પયગંબર માટે અભદ્ર કોમેન્ટ કરવા માટે કેહવાતા હિંદુ નેતા(?) કમલેશ તિવારી પર આકરી કલમ નાખી ને અંદર કરવામાં આવ્યો (અહી કેજરીવાલ કે ડાબેરીઓ ને અભિવ્યક્તિ નું સ્વાતંત્ર્ય ના સુઝ્યું? શું કન્હૈયાની જેમ કમલેશ તિવારી ને અભિવ્યક્તિ નો અધિકાર નથી ?) અને કમલેશ તિવારી ના માથા માટે ૧ કરોડ નું ઇનામ જાહેર કરાયું અને કમલેશ તિવારી ના વિરોધ માં માલદા આખું ભડકે બળ્યું, પોલીસ સ્ટેશન સળગાવી દેવાયું અને કરોડો ની સરકારી સંપતિને નુક્સાન પહોંચાડયું. ક્યાં હતા ત્યારે વિપક્ષો , સેક્યુલરો અને એવોર્ડ વાપસી કરનારા  કોઈ ને આ મુદ્દો સંસદ માં ઉઠાવ વો જરૂરી ના લાગ્યો?


આ ૨૦૧૪ ના પરિણામો પછી રાજકીય પક્ષો (ખાસ કરી ને અત્યારના વિપક્ષો)નો એક ખતરનાક ચહેરો સામે આવ્યો. મોદી ના વિરોધ માટે તેઓ કઈ હદ સુધી જઇ શકે છે તેનું વરવું સ્વરૂપ લોકો સમક્ષ આવ્યું. કાલે કદાચ કોઈ બાહ્ય પરિબળ (પાકિસ્તાન) રાષ્ટ્ર સામે ઉંબાડિયું કરે ત્યારે તેઓ શાસક પક્ષ સાથે ખભે ખભો મિલાવીને ઉભા રહે એમાં પણ એક પ્રશ્નાર્થ ઉભો થયો છે (૧૯૭૧ માં વાજપેયી અને તેમનો પક્ષ જે રીતે ઇન્દીરા સરકાર ની પડખે હતો એમ ).

અને સત્તાપક્ષ તરીકે ભાજપ પરફેક્ટ છે? ના, એની પણ કેટલીક ઉણપો છે જ . સત્તા મેળવવા માટે જમ્મુ કાશ્મીરમાં એણે સિદ્ધાંતોને નેવે મુક્યાજ છે. ઘણી રાજકીય મજબુરીઓમાં એણે ના કરવી જોઈએ એવી બાંધછોડ કરી જ છે. ચુંટણીઓ માં જ્ઞાતિવાદ નું રાજકારણ એણે પણ અપનાવ્યું જ છે. નિરપેક્ષ રીતે મુલવીયે તો એને પણ કઈ ખાસ માર્ક્સ મળે એમ નથી જ.


પણ અત્યાર ના તમામ ઉપલબ્ધ વિકલ્પો માં થી કોઈ એના થી સહેજ પણ શ્રેષ્ઠ છે?  ના, ના અને ના . અત્યારે દેશ ને જરૂર છે એક નવા વિકલ્પ ની. નવા રાજકારણ ની. (હા, કેજરીવાલ એ જે હાઈપ ઉભો કર્યો હતો એવા નહી). લોકો એ ફરી એક વખત ચુંટણીનું શસ્ત્ર ઉગામવાની  અને આવા રાષ્ટ્રવીરોધીઓને ખોળે બેસી જતા પક્ષોને કાયમ માટે ઘરે બેસાડી દેવાની.

સુપર સિકસ: 

શાહરુખની ફિલ્મ ની બોક્ષ ઓફીસ  કમાણી પર થયેલી અસર જોઈને આમીર ખાને કેજરીવાલ કરતા પણ વધુ શાર્પ યુ- ટર્ન લીધો

   
 :

Saturday, 5 March 2016

Parliament Discussion Topics- corruption,economy, Intolerance, extrimism , anti nationalism - મારી નજરે

સીન ૧ - મે,૨૦૧૪ પહેલા

૨૦૦૪થી ૨૦૧૪ સુધી આ દેશ માં કોંગ્રેસ ના નેતૃત્વ માં ડઝન પક્ષોના ગઠબંધન વાળી "સેક્યુલર" સરકાર હતી, ત્યારે પણ આ દેશ માં સંસદ ના ૩ અધિવેશન થતા જ અને એમાં પણ આજની જેમ જ સંસદ ની કાર્યવાહી ના કીમતી કલાકો વેડફાતા . અત્યાર નો સતાપક્ષ ભાજપ ત્યારે વિરોધ પક્ષ માં હતો અને વિવિધ મુદ્દા ઓ ઉપર સંસદ ઠપ્પ કરેલી જ . એટલે અત્યારે જયારે વડાપ્રધાન મોદી જયારે વિરોધ પક્ષ પર આક્ષેપ કરે કે વિરોધ પક્ષ નું સંસદ ના ચાલવા દેવાનું કાવતરું છે ત્યારે તેમણે આ ભૂતકાળ યાદ કરવો રહ્યો અને ભવિષ્યમાં જયારે પણ તેઓના પક્ષે વિરોધપક્ષ માં બેસવું પડે (આશા રાખીએ કે ૨૦૨૪ પછી જ ) ત્યારે આ શિખામણ યાદ રાખે.

હવે મે -૨૦૧૪ પહેલા સંસદની કાર્યવાહી નો થોડો ચિતાર લઈએ તો એ ૧૦ વર્ષ માં સંસદ ખોરવાઈ એ મોટા ભાગે  કોલગેટ કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ કે પછી બધા કૌભાંડો નો બાપ કેહવાય એવું  ટુજી કૌભાંડ ને લીધે થયેલી. ભ્રષ્ટાચાર સિવાય ના મુદા જોઈએ તો બિહાર માં કેન્દ્ર સરકાર ની લગભગ ગેરબંધારણીય ભલામણ પછી રાષ્ટ્રપતિશાસન લદાયુ ત્યારે અને અન્ના આંદોલન વખતે એ મુદ્દાઓ સંસદ માં ગુંજેલા. પણ ત્યારે વિરોધ પક્ષને દરેક વખતે મુદાઓ ભેટ માં જ આપેલા યુપીએ સરકારે . (જો કે ત્યારે વિપક્ષ માં રહેલો ભાજપ સંસદ ખોરવવાને બદલે સરકાર ની નિષ્ફળતાઓ અને બેફામ ભ્રષ્ટાચાર ની વિગતે ચર્ચા કરીને અને લોકો ની સમસ્યાઓની ચોટદાર રજૂઆત કરી શક્યો હોત). આ ઉપરાંત બેકાબુ મોંઘવારી, જીવન જરૂરીયાત ની ચીજવસ્તુઓ ના આસમાન ને અડતા ભાવ , વૈશ્વિક મંદીની અસરો  અને વિશ્વના સહુથી કુશળ અર્થશાસ્ત્રીઓ માં ના એક એવા ડૉ. મનમોહનસિંહ ના નેતૃત્વ માં આર્થીક અને લગભગ તમામ મોરચેસ નિષ્ફળતાઓ ચર્ચા ના કેન્દ્ર માં રહેલી. એમના કોઈ મીનીસ્ટર  ૨-જી  કૌભાંડ માં "૦ લોસ થિયરી" અને કોઈ ગરીબી રેખા માટે માથાદીઠ રોજીંદા ૩૨ રૂપિયાની આવક નક્કી કરીને હાસ્યાસ્પદ બનેલા. (અભિષેક મનું સિંઘવી અને એન.ડી.તિવારી એ તો "જુવાની" અને "ચારિત્ર" ની નવી જ વ્યાખ્યાઓ રચેલી)

 ખીચડી સરકાર ના સાથીપક્ષોએ પણ સરકારને ગઠબંધનની મજબુરીઓનો ભરપૂર એહસાસ કરાવેલો. રેલમંત્રી રહેલા લાલુ યાદવે લોકોમાંવાહવાહ મેળવવા દર વખતે નુર ભાડા અને મુસાફર ભાડા ઘટાડીને લગભગ રેલવેનું દેવાળું ફૂંકી દીધેલું (ઉપર થી હાવર્ડ માં ભાષણ ઠોકી આવ્યા એ અલગ ). જેને વ્યવસ્થિત કરતા યુપીએ -૨ ના બાહોશ મીનીસ્ટર દિનેશ ત્રિવેદીને આંખે પાણી આવી ગયેલા. (જેમણે મમતા દીદી ના આદેશ છતાં દેશ ના અહિત નો નિર્ણય  લેવાને બદલે રાજીનામું આપી દીધેલું)
 
આ બધા ની વચ્ચે "રાઈટ ટુ ઇન્ફોર્મેશન" નો  બહુ ઉપયોગી કાયદો સરકાર અમલ માં લાવેલી.(જેનો શસ્ત્ર તરીકે ઉપયોગ  કરીને જ આ સરકાર ના કૌભાંડો પ્રકાશ માં આવેલા ) અને અમેરિકા સાથે ખૂબ જરૂરી એવા પરમાણુ કરાર પણ થયેલા (જેમાં વિરોધ પક્ષે સરકાર ને સાથ પણ આપેલો -ક્રેડિટ્સ ટુ બીજેપી ફોર ધેટ).

લોકશાહીમાં લોકો પાસે ચૂંટણી નું ધારદાર શસ્ત્ર છે અને  આ બધી નિષ્ફળતાઓ વચ્ચે દરેક મુદ્દે મૌન રહેતા વડાપ્રધાનથી કંટાળેલા લોકો એ યુપીએ સરકાર ને ધોબીપછાડ આપી . નીતિશકુમાર જેવા અનેક તકવાદીઓ એ સાથ છોડી દીધા છતાંય ૧૯૮૪ પછી પ્રથમ વખત એકલા હાથે પ્રચંડ વિજય મેળવીને મે-૨૦૧૪ માં મોદી સરકાર સત્તામાં આવી.

સીન-૨:  મે-૨૦૧૪ પછી

પ્રચંડ જનાદેશ મેળવીને સત્તા પર આવેલી મોદી સરકાર પર લોકો ની અપેક્ષાઓ નો બોજ પણ બહુ જ મોટો હોય એ સ્વાભાવિક છે.મોદી સરકારે આવીને પેહલું કામ રાષ્ટ્ર ના મહત્વના પદો પર બાહોશ અધિકારીઓની નિમણુંક કરવાનું કર્યું(અજીત દોવાલ એમના એક). એના પછીનું કામ ગેરકાયદેસર રીતે વિદેશી ભંડોળ મેળવીને દેશના વિકાસ વિરોધી આંદોલનો(નર્મદા આંદોલન જેવા) અને ચળવળો ને સમર્થન કરતી એનજીઓ ને તાળા મારવાનું કર્યું. (અત્યાર ની સેક્યુલર જમાતના પેટ માં પહેલ્વેહલું તેલ ત્યારે રેડાયું હતું)

શરૂઆતના એક વર્ષમાં સરકાર મોંઘવારી પર તાત્કાલિક કાબુ લાવવામાં કે નક્કર પગલા ભરવામાં નિષ્ફળ રહી. કાળા નાણા પાછા લાવવાનો ખયાલી પુલાવ જે ચુંટણીપ્રચારમાં બતાવેલો એ મામલે પણ સરકાર ખાસ કશું ઉકાળી શકી નહી. પણ સરકારે ૧ વર્ષમાં ઘણા નોંધપાત્ર કાર્યો કર્યા.

વિદેશનીતિ માં ધરખમ ફેરફારો આવ્યા, અનેક દેશો સાથે સંબંધ માં સુધારો આવ્યો .અનેક મહત્વના કરારો થયા. ઈરાક માં બંધક બનાવાયેલી નર્સોને છોડાવવામાં કે યમન માં ફસાયેલા ભારતીયો ને પાછા લાવવામાં(ઓપરેશન રાહત ) સરકાર સફળ રહી અને વૈશ્વિક સ્તરે એની નોંધ પણ લેવાઈ. રાષ્ટ્રીય સ્તરે સરકારે કેટલાય ઝરીપૂરાણા કાયદાઓને રદ કર્યા અને કેટલાય માં જરૂરી ધરખમ ફેરફારો કર્યા. આયોજન પંચ ને વિખેરી નાખીને સરકાર નીતિ આયોગ લાવી અને બજેટના નાણા અસરકારક રીતે રાજ્યો ને મળે એવું માળખું બનાવ્યું.

 
(છેલ્લા ૧૦ વર્ષ ની સરખામણી માં છેલ્લા ૨ વર્ષ માં પથરાયેલી નવી રેલ્વે લાઈન )


આ ઉપરાંત પણ કેટલાય માળખાકીય સુધારાઓ અને લાંબા ગાળે ફાયદાકારક યોજનાઓ મૂકી. 'ગંગા શુદ્ધિકરણ અભિયાન', 'સ્વચ્છ ભારત અભિયાન', 'મેક ઇન ઇન્ડિયા', 'ડીજીટલ ઇન્ડિયા', 'સ્ટાર્ટ અપ ઇન્ડિયા'  વગેરે. ૫૦૦૦૦ થી વધુ શાળાઓ માં ટોઇલેટ બનાવ્યા . આ લખું છુ ત્યા સુધીમાં ૧૮૦૦૦ થી વધુ ગામોમાં સરકારે છેલ્લા દોઢ વર્ષમાં વીજળી પહોચાડી.(જે છેલ્લા ૧૦ વરસના આંકડા કરતા વધુ છે). હજારો ગામ સુધી નવી રેલ્વેલાઈનો પણ પાથરવામાં આવી. પૂર્વ ભારત ના કેટલાય અંતરિયાળ ગામો માં પેહલી વખત શાળાઓની સ્થાપના થઇ (આઝાદી ના ૬૬ વર્ષો પછી પણ !)

 
(રાહુલ ગાંધી જેટલું જ IQ ધરાવતા કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પર મુકાયેલી અને બાદ માં ડીલીટ કરવામાં આવેલી પોસ્ટ)

સરકાર ના લોકો પ્રત્યેનો અભિગમ પણ લોકાભિમુખ બન્યો. એક ટ્વિટ કે ઈમૈલ ની ફરિયાદ થી તંત્ર દોડવા લાગ્યું. (સુષ્મા સ્વરાજ, સુરેશ પ્રભુ અને ડૉ.હર્ષવર્ધન એ ઘણા લોકોને સીધી મદદ પહોચાડી છે). આ બધા થી ઉપર દોઢ વર્ષમાં કોઈ નોંધપાત્ર ભ્રષ્ટાચાર નું કૌભાંડ ના થયું (લલિતગેટ નો આક્ષેપ સાવ ધડ માથા વગરનો હતો અને વ્યાપમ તો છેક દિગ્ગી રાજા ના વખત થી ચાલતું આવતું હતું ). શરૂઆત ની રાજ્યો ની વિધાનસભા ની ચુંટણીઓમાં પણ બીજેપી ને સફળતા મળી એટલે ૨૦૧૪ માં ધોબીપછાડ ખાઈ ગયેલો વિપક્ષ એકદમ બેબાકળો બન્યો.

આ દરમિયાન સંસદના સત્રો માં શાશકપક્ષનો હાથ ઉપર રહ્યો. લલિતગેટ જેવા ફાલતું મુદે સંસદ ખોરવાઈ. આ ઉપરાંત રાજ્યસભા માં શાશક્પક્ષની લઘુમતીનો પણ વિપક્ષે પુરો (ગેર)લાભ લીધો. કેટલાય મહત્વના બિલ અટકી પડ્યા . જમીન અધિગ્રહણ મામલે વિરોધ પક્ષો એ લોકો માં સાવ ખોટો હોબાળો મચાવ્યો. આ ઉપરાંત જીએસટી બિલ પણ અટકી પડ્યું. પણ સંસદ માં પણ "મોદી મેજીક " યથાવત રહ્યો. ક્યારેય સંસદ ની કાર્યવાહી માં બહુ રસ ના લેતા લોકોમાં પણ મોદી ના સંસદ માં આપેલા ભાષણો ચર્ચાવા માંડ્યા.
 આ બધા ની વચ્ચે  બિહાર ની ચુંટણીની તારીખો નજીક આવવા લાગી


(વધુ ભાગ-૨ માં)

(ક્લિક કરો ભાગ-૨ ઉપર ની લીંક પર)